આપણા હિન્દૂ ધર્મમાં અનેક પર્વોની ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવ એ મનુષ્યના જીવનમાં નવા રંગો અને નવી ઉર્જાઓ ભરે છે. સાથે સાથે અરસ-પરસ સાથે મળી ને ઉજવાતા ઉત્સવોમાં મનુષ્યોના એકબીજાના પ્રેમ માં વધારો થાય છે.
તો આજે એવો જ એક તહેવાર વિષે આપણે જાણીશું. આ તહેવાર નું નામ છે “તુલસી-વિવાહ” આ તહેવાર કારતક સુદ-એકાદશી થી લઇ ને કારતક સુદ પૂર્ણિમા સુધી ઉજવાય છે. આ દિવસે વિષ્ણુ સ્વરૂપ શાલિગ્રામજીના વિવાહ તુલસીદેવી સાથે કરવામાં આવે છે. આ કથા અનેક પુરાણોમાં વર્ણિત કરવામાં આવેલ છે.
ધર્મધ્વજ નામના એક રાજા હતા. જેમની એક પુત્રી હતી. તેમની આ કન્યા નું નામ વૃંદા હતું. આ કન્યા રાજા ધર્મધ્વજે મહાલક્ષ્મીની કઠિન તપસ્યા કરી વરદાન સ્વરૂપે પ્રાપ્ત કરી હતી. એક સમયે ભગવાન શંકર તપસ્યામાં લિન હતા ત્યારે તેમના પરસેવા ના બુંદથી એક પ્રચંડ તેજ ઉત્પન થયું. આ તેજથી ત્રણેયલોક બળવા લાગ્યા. ત્યારે મહાદેવજીના કહેવાથી બધાજ દેવતાઓ એ આ તેજને સમુદ્રમાં પધરાવી દીધું. તે તેજ માંથી એક મહાબળ શાળી જલંધર નામે અસુર ઉત્પન્ન થયો. બ્રમ્હાજીના કહેવાથી આ જલંધરના વૃંદા સાથે વિવાહ થયા. વૃંદા મહાસતી હતી અને પતિવ્રતા હતી. તેણે પોતાના પતિવ્રતના પ્રભાવથી ક્યારેય ન કરમાય તેવી પુષ્પમાળા જલંધરના ગળામાં પહેરાવી હતી. જેના પ્રભાવ થી જલંધરે ત્રણેય લોકમાં હા હા કર મચાવી દેવતાઓનું સ્વર્ગ જીતી લીધું. બધા દેવતાઓએ ભગવાન શિવને પ્રાથના કરી ત્યારે ભગવાન શિવ અને જલંધર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં જલંધરની મુત્યુ થતી ન હતી. ત્યારે ભગવાન વિષ્ણુ એ કહ્યું કે જ્યાં સુધી વૃંદાનું પતિવ્રતત્વ અખંડ છે. ત્યાં સુધી આપ તેનો નાશ નહિ કરી શકો. ત્યારે વૃંદાનું પતિવ્રતત્વ ને ખંડિત કરવા ભગવાન વિષ્ણુ એ જલંધર નું સ્વરૂપ ધારણ કરી તેના પતિવ્રત ધર્મ નું ખંડન કર્યું. આ બાજુ પુષ્પમાળા કરમાતા અને પતિવ્રતનો ભંગ થતા ભગવાન શિવે જલંધર નો નાશ કર્યો. પોતાનું પતિવ્રત ખંડનની વૃંદાને જાણ થતા તેને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે આપ પથ્થર બની જાવ. ત્યારે ભગવાન વિષ્ણુએ તેને તેના પૂર્વ જન્મનું ભાન કરાવી કહ્યું કે તમે જ મને પતિ રૂપે પ્રાપ્ત કરવા તપસ્યા કરી હતી. તમારા આ દેહ માંથી એક વૃક્ષ ઉત્પન્ન થશે. અને તમારા કેશમાથી એક નદી ઉત્પન્ન થશે. આ નદી ગંડગી અને વૃક્ષ તુલસી ના નામ થી જગવિખ્યાત બનશે. આ પવિત્ર દિવસે તમારા તુલસી સ્વરૂપના શાલિગ્રામ સાથે વિવાહ થશે. અને આપ વિષ્ણુપ્રિયા તુલસી થઇ જગતપૂજ્ય, જગવિખ્યાત થશો. તે દિવસ હતો કારતક સુદી એકાદશીનો. બસ ત્યારથી જ કારતક સુદી અકાદશીના દિવસે આ તુલસી વિવાહ નું આયોજન કરી લોકો હર્ષભેર આ ઉત્સવની ઉજવણી કરી પુણ્ય નું ભાથું પણ બાંધે છે.